એક રાજાને ત્રણ પુત્રો હતા. ત્રણેય પુત્રો પુખ્ત ઉંમરના થયા છે. રાજા વૃધ્દ્ર થવા લાગ્યા છે. રજવાડાના નિયમ પ્રમાણે જ્યેષ્ઠ પુત્ર રાજગાદીનો વારસ બને, પરંતુ રાજા આ પ્રણાલીમાં માનતા નથી. રાજ્યશાસન ચલાવવાની લાયકાતવાળો પુત્ર રાજા બને તેવું તેઓ ઈચ્છે છે. તેમણે પોતાના મનની વાત ગુરુને કહી. ગુરુએ કહ્યું,”રાજન, તે માટે કસોટી કરીએ.” ત્રણેય પુત્રોને બોલાવવામાં આવ્યા. ત્રણેયને એક એક રૂપિયો આપવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે દરેક રાજકુમાર તેમને આપવામાં આવેલો રૂપિયો તેમની મરજી મુજબ વાપરી શકે છે.
પહેલો રાજકુંવર મનમાં વિચાર કરે છે કે હું રાજાનો દિકરો,એક રૂપિયોની મારે મન શું કિંમત? તે મોજશોખ પાછળ તે રૂપિયો વાપરી નાખે છે.
બીજો રાજકુંવર વિચાર કરે છે કે એક રૂપિયામાં વધુમાં વધુ શું આવે? તે નકામી કચરા જેવી ચીજો ખરીદવામાં રૂપિયો વાપરી નાખે છે.
ત્રીજો રાજકુંવર વિચાર કરે છે કે આ એક રૂપિયો આપવા પાછળ કંઈક ઉદ્દેશ છે. મારે તેનો સારામાં સારો ઉપયોગકરવો જોઈએ. તે એક રૂપિયાનું પુસ્તક ખરીદે છે અને વાંચી જાય છે.
એક સપ્તાહ પછી ત્રણેય રાજકુંવરોને બોલાવવામાં આવે છે. રૂપિયો કઈ રીતે વાપર્યો તે પૂછવામાં આવે છે. પ્રથમ રાજકુંવર જણાવે છે કે તેણે મોજશોખમાં વાપર્યો. બીજો કહે છે તેણે આ બધી વસ્તુઓ ખરીદી. વસ્તુઓ સાવ કચરા જેવી હતી.
ત્રીજો રાજકુંવર કહે છે તેણે પુસ્તક ખરીઘું અને તેના દ્વારા તેણે જ્ઞાન મેળવ્યું છે.
આપણે સમજી શકીએ છીએ કે રાજા અને ગુરુએ રાજ્યનું શાસન કોને સોંપ્યું હશે? ત્રીજા પુત્રને રાજ્યનું શાસન સોંપવામાં આવે છે.
આપણને પણ આપણો પરમપિતા દરરોજ એક રૂપિયો એટલે કે એક દિવસ આપે છે. સાંજે આપણી પાસે હિસાબ માંગવામાં આવે છે કે આપણે તે રૂપિયાનું-દિવસનું શું કર્યું? તેનો કઈ રીતે ઉપયોગ કર્યો?
મોટાભાગનાં તેને મોજમજામાં વેડફી નાખે છે. તેને મન એક દિવસની કાંઈ કિંમત નથી. દરરોજ એક એક દિવસ વેડફતાં સમગ્ર જીવન વેડફાઈ જાય છે.
બીજા કેટલાક એવા છે જે ક્ષુલ્લક બાબતોમાં, બિનમહત્વની બાબતોમાં પોતાનો સમય વ્યતીત કરે છે. તે સમયને વાપરે તો છે પણ તેનું જોઈએ તેટલું સારું પરિણામ મળતું નથી. આખરે અફસોસ થાય છે કે જે કરવાં જેવું હતું તે ન કર્યું અને ન કરવા જેવાં કામોમાં જિંદગી વ્યતીત થઈ ગઈ.
આપણામાંથી ઘણા ઓછા માણસો પોતાને મળેલા દિવસનો મહત્તમ અને ઉત્તમ ઉપયોગ કરે છે. તે દરેક ક્ષણને જીવે છે. તેના ઉપયોગ કરે છે. તેની પાસે સમયનું આયોજન હોય છે. તેને કયા અગત્યનાં કાર્યો, નિર્ધારિત કાર્યો પૂરાં કરવાનાં છે. તેનો ચોક્કસ ખ્યાલ હોય છે. પરિણામે તેના સમગ્ર જીવન દરમિયાન તે જે કરવા ઈચ્છે છે, જે મેળવવા ઈચ્છે, જે સમૃધ્ધિ, સિધ્ધિ કે સફળતા પ્રાપ્ત કરવા ઈચ્છે છે તે મેળવે છે અને જીવનની સાર્થકતાની અનુભૂતિ કરે છે. પરમ પિતાએ પોતાને આપેલ રૂપિયાનો હિસાબ આપતા તેના ચહેરા પર એક પ્રકારનો સંતોષ જોઈ શકાય છે.